- બીલીમોરાના વર્ષો જુના મકાનમાંથી ચોરાયેલા સોનાના સિક્કાનો મામલો
- નવસારી LCB પોલીસે વલસાડના કોન્ટ્રાકટર અને મધ્યપ્રદેશના 4 મજૂરોની કરી ધરપકડ
- પોલીસે મધ્યપ્રદેશના મજૂરો પાસેથી 1922 ની સાલના 199 સોનાના સિક્કા કબજે લીધા
- જેલની હવા ખાઈ રહેલા MP ના પોલીસ કર્મીઓની પણ થશે પુછપરછ
જ્યારે પહેલાંના સમયમાં બેન્કનું અસ્તિત્વ ન હતું. ત્યારે ઘરોમાં તિજોરી બનાવી અથવા કોઈ ઘરના ગુપ્ત સ્થળે પોતાનો કિંમતી સામાન છૂપાવવામાં આવતો હતો. ઘણીવાર સંજોગોવસાત આ સામાન બિનવારસી થઈ જાય છે. બીલીમોરાના બજાર સ્ટ્રીટ બંદર રોડ ઉપર આવેલી મસ્જિદ પાસે શબ્બીરભાઈ બલિયાવાલાનું વર્ષો જૂનું જર્જરિત મકાન આવેલું છે. આ મકાન તોડવા માટે મધ્યપ્રદેશના અમુક મજૂરો કાર્યરત હતા. આ ઘરને તોડતી વખતે મજૂરોને 1922ના અંગ્રેજોના સમયના ઐતિહાસિક સોનાના સિક્કા હાથે લાગ્યા હતા. આ અગ્રેજોના સમયના સોનાઓના સિક્કાઓની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. સોનાના સિક્કા મળ્યા અંગેની વાત મજૂરોએ કોઈને પણ જણાવી નહીં અને અંદરોઅંદર વહેંચી લીધા હતા. મકાન ઉતારી તેઓ મધ્યપ્રદેશ ખાતે પોતાના ગામ જતા રહ્યા હતા અને ત્યાં એક નવું પ્રકરણ સર્જાયું.
એક મજૂરના સોનાના સિક્કા ચોરાઇ જતા તે અલીરાજપુરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો અને અહીં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બીલીમોરાના આ સ્થળની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઘરના વારસોનો પત્તો મેળવી ઘરના સદસ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. નવસારી LCB પોલીસે વલસાડના કોન્ટ્રાકટર અને મધ્યપ્રદેશના 4 મજૂરોની ધરપકડ કરી છે. પોલીસે મધ્યપ્રદેશના મજૂરો પાસેથી 1922 ની સાલના 199 સોનાના સિક્કા કબજે લીધા છે. મધ્યપ્રદેશના મજૂર દંપતી પાસેથી 175 અને અન્ય મહિલા મજૂર પાસેથી 24 સોનાના સિક્કા મળી આવ્યા છે. એક સિક્કો 22 કેરેટ સોનાના 8 ગ્રામનો, કુલ 1592 ગ્રામ સોનાના 199 સિક્કા કબ્જે કરાયા છે.બીલીમોરાના મકાનમાંથી કેટલા સોનાના સિક્કા મળ્યા હતા, એની માહિતી પોલીસ હજુ કઢાવી શકી નહીં. સિક્કા મુદે પુરાતત્વ વિભાગની મદદ મેળવી, કોર્ટના નિર્ણયથી ફરિયાદીને અપાશે અથવા સરકારમાં જમા કરાવશે. સમગ્ર પ્રકરણમાં જેલની હવા ખાઈ રહેલા MP ના પોલીસ કર્મીઓની પણ પુછપરછ થશે. સિક્કાની સંખ્યામાં વધારો થવાની પણ સંભાવના છે. પકડાયેલ આરોપીઓમાંથી એક મજૂર સગીર વયનો છે. પોલીસે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવી તપાસને વેગ આપ્યો છે.
સાગર પ્રજાપતિ, નવસારી
નોંધ : આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે. અથવા તો કોઈક સોર્સ ઉપરથી માહિતી લેવામાં આવેલા છે. ન્યૂઝ તથા અન્ય વાતોની જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહેશે. “divyangnewschannel.com” વેબસાઈટ કે પેજ ની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં